એક ભરતી કેવી રીતે લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી શકે ?

ફરી એક વાર બિન-સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી.

તારીખ ૧૩/૦૨/૨૦૨૨ ના રોજ યોજાનાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ

યુવાઓના ભવિષ્ય સાથે વારંવાર મજાક કરવામાં આવી રહ્યો છે.

 

એક ભરતી કેવી રીતે લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી શકે ?

 

ઓક્ટોબર ૨૦૧૮

લોકસભાની ચૂંટણીના ૬ મહિના પહેલા બિન સચિવાલય કલાર્કની જાહેરાત પ્રસિધ્ધ થાય છે યુવાનો ઝૂમી ઉઠે છે કારણ કે લાંબા સમય બાદ ૩૫૦૦ જેટલી ધરખમ જગ્યાઓની ભરતી આવી હતી. ફોર્મ ભરાઈ જાય છે. એ પણ ૧૦ લાખ કરતા વધુ ફોર્મ ભરાય છે !

ચૂંટણી પુરી થઈ જાય છે. આર્થિક અનામત ના લીધે ફરી ફોર્મ ભરાય છે. પરીક્ષાની તારીખ આવે છે.

૨૦ ઓક્ટોબર ૨૦૧૯ 

પરીક્ષાના લગભગ એક અઠવાડિયા પહેલા એટલે કે ૧૨ ઓક્ટોબર ના રોજ રાત્રે આઠ વાગે ટીવી પર હેડલાઈન ચમકે છે કે બિનસચિવાલય ની પરીક્ષા રદ કરવામાં આવી છે. કારણ પૂછવામાં આવ્યુ તો

  • નાયબ મુખ્ય મંત્રી કહે છે મને નથી ખબર.. !
  • મુખ્યમંત્રી કહે છે મને નથી ખબર ….

અને આ પરીક્ષા જે મંડળ દ્વારા યોજવામાં આવે છે એ ગૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન અસિત વોરા એ વખતે નાસિકમાં હતા ! નિર્ણય સચિવે કર્યો હતો અને એ નિર્ણય નું સાચું કારણ આજ દિન સુધી જણાવવામાં આવ્યું નથી.

ખેર

પરીક્ષા રદ થાય છે. અને સરકારની બદનામી ના થાય માટે એવું કહેવામાં આવે છે કે હવે પછીની કોન્સ્ટેબલ સિવાયની કોઈ પણ પરીક્ષા ૧૨ મું પાસ વ્યક્તિ નહીં આપી શકે હાસ્યાસ્પદ વાત તો એ છે કે આ જાહેરાત કરે છે ખુદ ૧૨ મું પાસ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ…!

વિદ્યાર્થીઓએ આક્રોશ સાથે પૂછ્યું કે જાહેરાત બહાર પડતી વખતે કેમ નહોતા જાગ્યા પ્રચંડ વિરોધને લીધે બિન સચિવાલયની ભરતી પૂરતી ૧૨ મું પાસ વાળો નિયમ સ્થગિત કરવામાં આવ્યો.

૧૭ નવેમ્બર ૨૦૧૯

પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવે છે ૧૭ નવેમ્બર ૨૦૧૯ વિદ્યાર્થીઓ મહેનત કરી પરીક્ષા આપે છે. એવી આશા સાથે પરીક્ષા ખંડ છોડે છે કે આ વખતે નોકરી મળી જશે.

ઘરે આવી ટીવી પર જુએ છે તો છાતીમાં ખંજર ભોંકાય છે. પેપર ફૂટ્યા ના સમાચાર હતા. પેપર લાખો રૂપિયામાં વેંચાયા હતા. અને સરકાર સતત ઇનકાર કરી રહી હતી કે આવું કંઈ જ નથી થયું. વિદ્યાર્થીઓએ પ્રુફ સાથે ગૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન અસિત વોરાને માહિતી આપી. એમણે યોગ્ય કાર્યવાહી કરવાના ઠાલા વચનો આપ્યા. કોઈ જ પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો અને આંદોલન કર્યું. સરકારે SIT બનાવી અને વિદ્યાર્થીઓએ પુરાવા રજૂ કર્યા. સરકારે એ માનવું પડ્યું કે પેપર ફૂટ્યું છે.

અને પરીક્ષા ફરી રદ કરવી પડી…….!

સરકારને કોરોના નું બહાનું મળ્યું અને આજ સુધી આ ભરતી અધ્ધરતાલ છે. આ તો એક ભરતીની વાત થઈ આવી અનેક ભરતીઓ લટકી પડી છે. કોરોનાની કારણે નહીં સરકારના નમાલાપણાને લીધે..

વચ્ચે અનેક નેતાઓના અનેક તાયફાઓ થયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ પણ વિદ્યાર્થીઓની પરીક્ષા ન થઈ.

ત્યારબાદ ફરી એક વાર પરીક્ષા તારીખ ૧૩/૦૨/૨૦૨૨ જાહેર કરવામાં આવી વિદ્યાર્થીઓ તૈયારી કરવા લાગી ગયાં કોલ લેટર પણ ડાઊનલોડ થઈ ગયા (કંકોત્રી વહેચાઈ ગઈ અને જાનૈયા પણ તૈયાર હતા ત્યારે માંડવા વાળા એ લગન ની ના પડી તેવી સ્થિતિ) ફરી એક વાર પરીક્ષાના ૪ દિવસ પહેલાં નોટિફિકેશ આવ્યું કે બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

બીજું તો ઠીક વિદ્યાર્થીઓને આશ્વાસન નો એક શબ્દ પણ ચેરમેન અસિત વોરા તરફથી આવ્યો નથી. કદાચ એમની પાસે સમય નહીં હોય. પણ એમની યુ ટ્યૂબ ચેનલ પર આવી તેઓ હાર્મોનિયમ સાથે ફિલ્મી ગીત ગાઈ શકે છે !

આ તો થયો ઘટનાક્રમ પણ વિદ્યાર્થીઓનું જીવન કેવી રીતે બરબાદ થયું ?

કેટલાય ગરીબ વિદ્યાર્થીઓએ ૧૨ માં પછી એ વિચારી પ્રાઇવેટ કોલેજમાં એડમીશન નહોતું લીધું કે લાખો રૂપિયાની ફી ભરવા કરતા મહેનત કરી આ પરીક્ષામાં પાસ થઈ જઈશું. હવે એમની છેલ્લી આશા આ પરીક્ષા હતી. આના પછીની તમામ પરીક્ષાઓ સ્નાતક કક્ષાએ લેવાશે.

આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી આ વિદ્યાર્થીઓએ તૈયારી છોડી દીધી છે. અને મજૂરીકામ કરે છે. કેટલાય વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી છોડી લાયકાતથી ઉતરતી કક્ષાની નોકરી સ્વીકારવી પડી છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં જેને અર્ધબેકારી કહે છે. મોટાભાગના યુવાનો આ પરિસ્થિતિમાં છે.

પણ આ લોકોનો અવાજ તમને સોશિયલ મીડિયામાં નહીં સંભળાય કારણ કે એમને એટલો સમય પણ નથી અને સગવડ પણ નથી. અને આ વિદ્યાર્થીઓનું સંગઠન પણ નથી. એટલે આ ઘોંઘાટમાં આવા છૂટક છૂટક અવાજ હોય તો પણ ખોવાઈ જાય છે.

કેટલાક લોકો એવો તર્ક આપે છે કે બધાને સરકારી નોકરી ન મળે અને એમાં જ ભવિષ્ય છે એવું પણ નથી વાત સાચી પણ અહીં મુદ્દો સરકારી કે બિન સરકારી નો નહીં. સરકારની નફ્ફટાઈ, નાલાયકી અને બિન કાર્યક્ષમતાનો છે. છતાં કોઈ પૂછવા વાળું નથી કે ૩ વર્ષમાં તમે એક ભરતી યોગ્ય રીતે પુરી ન કરી શકો એ તે વળી કેવી ગતિશીલતા ?

ભલે કોઈને આજે આ વાત સમજાય નહિ. કોઈના માટે પોતાનો પક્ષ મહત્વનો હશે, કોઈના માટે વિચારધારા. ભલે લોકો અત્યારે કાલ્પનિક દુનિયામાં રચ્યા-પચ્યા રેહતા હોય.

એક સમય આવશે આજે નહીં તો કાલે તેઓએ હકીકત થી રૂબરૂ થવું જ પડશે. ત્યારે અરીસામાં પોતાનો ચહેરો નહીં જોઈ શકે…..!

મને એટલો તો વિશ્વાસ છે કે તમને સમજાઈ ગયું હશે તો તમે આ મેસેજ ને આગળ મોકલશો અને જો પૂરો મેસેજ વાંચ્યા પછી પણ તમને ના સમજાય તો તમે આ મેસેજ ને ઇગ્નોર કરી શકો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *